Saturday, 16 May 2015

ડિજિટલ લાઈફ



ડિજિટલ લાઈફ
છેલ્લા દોઢ કલાકથી મોબાઇલમાં ગેમ રમીને કંટાળ્યો. મોબાઇલ બાજુએ મૂકી ટી.વી ઑન કર્યુ. આશરે ૫૦૦ જેટલી ચેનલો ફેરવી ફેરવીને મગજ ફરી ગયું એટલે મૂક્યું એનેય બાજુમાં ! થયું ચાલ  લૅપટોપ ઑન કર્યુ. ફેસબુક અને બીજા સૉશિયલ સાઇટ પર સર્ફિંગ કર્યુ. આશરે એક કલાક પછી આંખો દુખવા લાગી એટલે લૅપટોપ શટડાઉન કરી, રેડિયો ઑન કર્યો, થોડા જૂના રીમિક્સ થયેલા ગીતો ગૂંજતા સાંભળ્યા અને આંખો ઘેરાવા લાગી અને ઊંઘ આવી ગઇ. એકાએક ઝબકારો થતા જોયું તો બે કલાક નીકળી ગયા હતા સૂવામાં. આંખો ચોળીને રેડિયો બંધ કર્યો અને ફરી મોબાઇલ ઑન કરી વૉટસએપ પર......ફરી એ જ ચક્ર ચાલુ !!!
આ બધું જોતા એવો વિચાર આવે છે કે કેટલી સરળતાથી આપણે વર્ચ્યુલ લાઇફના ડેથવેલમાં લપસતા જઇએ છીએ. એક દિવસ પણ સેલફોન, આઈ-પૉડ કે આઈફોન વગર આપણે રહી શકતા નથી. ચારેકોરથી ઘેરાઇ ગયા છીએ આપણે ડિજિટલ સાધનોથી....
આ સાધનો આપણા કામ સરળતાથી અને ઝડપથી થઈ શકે એના માટેના છે. જ્યારે આપણે સવારથી રાત એના ગુલામ બનીને એમાં ડૂબી ગયા છીએ!! કમ્યુનિકેશનના સાધનો વધી ગયા છે પણ અનુભવી શકાય એવું કમ્યુનિકેશન ક્યાં છે?? રોજ વૉટસએપ પર આપણે કનેક્ટેડ છીએ બધા સાથે. રોજ વાતો કરીએ છીએ, પણ ‘સંવાદ’ ક્યાં છે?? અફાટ સાગર જેટલી માહિતીનો સંગ્રહ ઈન્ટરનેટ પર છે છતાંયે આપણું નૉલેજ કેટલું છે?? ત્યારે એમ થાય છે કે આપણે આ ઈલેક્ટ્રોનિક સાધનોમાં ગૂંચવાઇ ગયા છીએ. પણ મજા તો ગૂંથાઇ જવામાં છે, ગૂંચવાઇ જવામાં નહિ!!
ડિજિટલ લાઇફ  કેટલી કુત્રિમ ભાસે છે એમાં માણસ સહજ નથી રહી શકતો. એમાં ‘આત્મીયતા’ કરતા ‘જોડાણ’ વધારે હોય છે!! કોઇના મિત્ર બનવું હોય તો ‘રિક્વેસ્ટ’ મોકલવી પડતી હોય છે!! વહેવાર ખાતર લોકોના ન ગમતા ફોટા પણ ‘લાઇક’ કરવા પડતા હોય છે!! સૌથી મોટી કરુણા એ છે કે આપણે શું ફીલ (અનુભવીએ) છીએ એ પણ ઍનિમેટેડ કે સ્થિર લાગતા સ્માઇલી દ્વારા લોકોને બતાવવા પડે છે!!
હવે  બર્થ ડેની થ્રીલ પણ રહી નથી. બર્થ ડે પર હવે  ફેસબુકની વૉલ પર લોકો વિશ કરી દેતા હોય છે!! પાર્ટીઓ હવે વૉટસએપ પર જ ઉજવાઇ જતી હોય છે! કોઇને વર્ષો બાદ મળ્યાની ઉત્કંઠા અને તલપ ઘણા સમયથી અનુભવી શકાઇ નથી! આભાર વૉટસએપ અને સોશિયલ મિડીયાનો !! આંગળાઓ પર વધુ ત્રાસ ન વતૉવાય એથી જ બધું  કૉપી-પેસ્ટ થઇને ‘ફોરવર્ડ’ થતું હોય છે! આંગળીઓ અસ્પૃશ્ય માનવા લાગી છે શબ્દોને! એની સુંવાળપને એ માણી શકતી નથી કારણકે શબ્દો હવે  લખાતા નથી, ટાઇપ થતા હોય છે!  હવે  મોબાઇલ એક્ટિવેટ હોય તો માણસ જીવતો જ હશે એ ૧૦૦% ની ખાતરી થતી હોય છે! એટલે જ કદાચ મોબાઇલ સજીવ અને માણસ નિર્જીવ બનતો જાય છે! લડી ઝઘડીને, પોતાનો મૂળભૂત અધિકાર હોય એ રીતે રુપિયા ઓછા કરાવી કરેલી ખરીદીનો આનંદ ઍમેઝોન કે ફ્લિપકાર્ટથી ખરીદવામાં ક્યાં છે? પારકાની ખુશીની વાત જ ક્યા છે? બધું જ હવે ‘સેલ્ફી’માં થવા લાગ્યું છે. મંગળગ્રહ સુધીના સફળતાપૂર્વકનાં પ્રયાસ પછીયે હજુ માનવી માનવીના હ્રદયથી ઘણાંયે પ્રકાશવર્ષ દૂર છે. આપણા કવિ અનિલ કહે છે એમ:
‘માનવી સુધી હજુ બીજો માનવી નથી પહોંચ્યો,
‘અનિલ’ સાંભળ્યું છે ક્યારનો બંધાઇ રહ્યો છે રસ્તો’
કૂદકે ને ભૂસકે વધતી ટેકનોલોજીના ક્ષેત્રમાં જે આપણે ગુમાવી રહ્યા છીએ એ છે પ્રકૃતિનો સ્પર્શ!! બધા જ સ્માર્ટફોન અને ગેજેટ્સ તમને લોકો સાથે જોડવા મથી રહ્યા છે. પણ પોતાની જાત સાથેનું અનુસંધાન કરી આપવાનો દાવો કોઇ જ ગેજેટ્સ કરતા નથી. ખરેખર જોવા જઇએ તો ડિજિટલ સાધનોથી કંઇ જ અટકતું નથી. આપણા જીવની લગોલગ પહોંચી ગયેલા સ્માર્ટફોનથી એક  ક્ષણનો પણ વિરહ આપણને સહ્ય નથી. (વાત ટીનેજર, યુવાનો, વડીલો અને વૃધ્ધો સૌને લાગુ પડે છે.) લોકો ત્યારે પણ જીવતા જ હતા જ્યારે આ ડિજિટલાઇઝેશનનો મારો ન હતો. આપણા વડીલો અને પૂર્વજોએ તો ટેલિફોન અને પત્રવ્યવહારમાં જ સંબંધો કેળવ્યા અને નિખાર્યા છે. જ્યારે આજે આપણી પાસે પૂરતી સુવિધા અને ગેજેટ્સની ભરમાર છતાં આપણે સંબંધોમાં તળિયા ઘસતા થઇ ગયા છીએ. વિરોધ આધુનિકતાનો (મોર્ડનાઇઝેશન)નો છે જ નહીં, પણ તેના થઇ રહેલા અતિરેકનો છે. એનાથી જન્મતી એકલતાનો છે!
આપણે વસ્તુઓને જરુરિયાત માટે ઓછી અને દંભ, દેખાડો, આડંબર અને આપણા સ્ટેટસ અને ઇર્ષ્યાને પોષિત કરવા વધુ ખરીદતા હોઇએ છીએ. આપણને આપણા ઘરમાં નવી કાર આવ્યાનો આનંદ એટલો નથી આવતો જેટલો પડોશીને આપણી કાર દેખાડી જીવતાજીવ બાળી નાખવાનો આવે છે!!
સવાર સવારમાં વૉટસએપ પર જીવન જીવવાની વાતો ફૉરવર્ડ કરી દેતા લોકો પોતે સુધ્ધા એ વાંચવાની તસ્દી નથી લેતા! ગુગલ બુક્સ, પીડીએફ ડેટા, રિસર્ચ પેપર્સ, પ્રેઝન્ટેશન, ડૉક્યુમેન્ટસ, ઇ-બુક્સ જેવી વાંચનની પુષ્કળ સુવિધા છતાં વાંચનની રુચિ આપણે ગુમાવી બેઠા છીએ.
વસ્તુની જરુરિયાત પહેલા આપણને વસ્તુ ખરીદી લેવી છે. પછી ભલેને આપણા ઘરનાં ખૂણામાં પડી પડી સડી જાય! આપણી ઇચ્છાઓનું અને જોઇતી વસ્તુઓનું લાંબુ લચક લીસ્ટ છે. પણ એના પર ઉઘાડી આંખે વિચાર કરીએ તો સમજાશે કે એમાં ખરેખર જરુરતની વસ્તુ તો ગણીને એક-બે જ છે. બાકી બધી તો........???!!
બે બે સ્માર્ટફોન, ૩૨’’ એલઇડી ફ્લેટ ટીવી, શહેરના રસ્તા પર સડસડાટ દોડતી કાર, કંપનીએ આપેલું સોફિસ્ટીકેટેડ લેપટૉપ, બ્રાન્ડેડ એક્સેસરીઝ અને વૉશિંગ મશીનથી લઇને માઇક્રોવેવ ઑવન સુધીની ટોટલ મોર્ડન સુવિધા ધરાવ્યા બાદ પણ માણસના મનને શાંતિ નથી. સતત ઉચાટ, ઉકળાટ, વ્યગ્રતા, ટેન્શન અને જાતજાતની અસહજ લાગતી હરકતો કેટલાય કારણો અને તારણો આપે છે.
બે ઘડી મોબાઈલમાં ગેમ રમી લેવી, ફાજલ સમયમાં વૉટસએપના ફોટોસ્ અને વિડિયોસ્ જોવા, એકલતામાં મ્યુઝિક સાંભળી મન હળવું કરવું  પરવડી શકે.....પણ આસપાસ જીવતા લોકો તરફ દુર્લક્ષ સેવી, કામના સમયે મોબાઈલ પકડી બેસી રહેવું કેટલું યોગ્ય છે??
આજકાલ ઘરમાં મહેમાન આવતા નથી, બસ આંગણેથી હાથ લંબાવી ચાલ્યા જાય છે. ડિજિટલાઇઝેશનના આટલા તીખા તમતમતા માર પછી સંબંધોની સ્વસ્થતા જાળવવા આપણે ‘ડિજિટલ ફાસ્ટ’ કરવાની તાતી જરુર છે!! કોપરુ કે ચોખા ન ખાવાની બાધા રાખવા કરતા અઠવાડિયું મોબાઈલમાં ગેમ ન રમવાની બાધા રાખવી સારી!!

No comments:

Post a Comment